લો બોલો, હવે બાપુનગર પોલીસને પણ લેવું પડ્યું પ્રોટેક્શન

અમદાવાદ

અમદાવાદ પોલીસ કોઈ પણ કારણસર હવે ચર્ચામાં આવી જ જાય છે. ગત મહીને બુટલેગરના સાગરીતો દ્વારા જાહેર રોડ પર દોડાવી દોડાવી પોલીસકર્મીઓને માર મારતા શરમજનક વિડીયોની ચર્ચા માંડ શાંત પડી છે ત્યારે હવે કોર્ટમાં આરોપીઓને રજુ કરી રહેલ બાપુનગર પોલીસને પણહુમલો ના થાય તે માટે પ્રોટેક્શન લેવું પડ્યું હતું જેના કારણે અમદાવાદ પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે.

મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશનમાં નોધાયેલા મારમારીના ગુના હેઠળ બાપુનગર પોલીસ સોમવારે મહિલા વકીલ આરોપીને ઘી કાંટા સ્થિત કોર્ટમાં રજુ કરવા ગયા હતા તે સમયે જ મેટ્રો કોર્ટના વકીલોએ બાપુનગર પોલીસ કર્મીઓ પર હલ્લાબોલ કરીને ઝપાઝપી કરી હતી જેના પરિણામે બાપુનગર પોલીસને પણ પ્રોટેક્શન લેવું પડ્યું હતું અને ઘટનાની જાણ થતા જ કારંજ પોલીસ સ્ટેશનનો કાફલો કોર્ટમાં આવી ગયો હતો અને સ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસો કર્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં કેદ એક અસીલને મળવા મહિલા વકીલ ગયા હતા જ્યાં ફરજ પરના પીએસઆઈ સાથે મહિલા વકીલને કોઈ મુદ્દે બોલાચાલી થઇ હતી જે દરમિયાન મહિલા પી.એસ. આઇ પટેલે મહિલા વકીલને લાફા મારીને બીભત્સ ગાળો આપી હોવાનો આક્ષેપ મહિલા વકીલે કર્યો હતો.

જો કે પોલીસે મહિલા વકીલ સામે મારામારી કરવાના ગુના હેઠળ ફરિયાદ નોધી હતી જેના અન્વયે મહિલા વકીલને આજે કોર્ટમાં રજુ કરતી વખતે જ મેટ્રો કોર્ટના વકીલોએ પોલીસ સાથે ઝપાઝપી શરુ કરી દીઘી હતી.દરમિયાન મહિલા વકીલે પોલીસ સ્ટેશનમાં માર માર્યો હોવાની જજ સામે રજૂઆત કરતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એચ. મુદ્રએ મહિલા વકીલની સારવાર કરવા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે.

આમ સમગ્ર શહેરને પ્રોટેક્શન પૂરું પાડતી પોલીસને પણ આજે પ્રોટેક્શન લેવાનો વારો આવ્યાની ચર્ચા પોલીસ અને વકીલ આલમમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.