કેલિફોર્નિયાના લોસ એન્જલસમા ભારતના અમર શહીદોને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી

કેલિફોર્નિયાના લોસ એન્જલસમા ભારતના અમર શહીદોને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ફોટો- ગુણવંતભાઈ પટેલ ( લોસ એન્જલસ)

અમેરીકા,

કેલિફોર્નિયાના લોસ એન્જલસમા ભારતના અમર શહીદોને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દક્ષિણ કેલિફોર્નિયાના બૃહદ લોસ એન્જેલસ વિસ્તારની પ્રસિદ્ધ ઑરેન્જ કાઉન્ટીના આર્થિક પાટનગર સમા સિટી ઑફ અર્વાઈન ખાતે આવેલ ‘વૈષ્ણવ સમાજ ઑફ સધર્ન કેલિફોર્નિયા’ (VSOSC) સંચાલિત ‘શ્રીનાથજી હવેલી’ ના સાંસ્કૃતિક સેન્ટર ખાતે સદર વૈષ્ણવ સમાજ ,‘ અમેરિકન હિન્દુ ફેડરેશન’ તથા ‘યુનાઈટેડ ઈન્ડીયન અમેરિકન્સ,ઑરેન્જ કાઉન્ટી’ એમ ત્રણે સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભારત ખાતે તાજેતરમાં થયેલ હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદીને વરેલ ભરતના ‘ચીફ ઑફ ડીફેન્સ સ્ટાફ’ (CDS) સ્વ. જનરલ બિપીન રાવત,તેમનાં ધર્મપત્ની સ્વ.મધુલિકા રાવત તથા અન્ય ૧૧ શહીદોને ભાવભીની વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવાનો ભવ્ય કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં હવેલીના ટ્રસ્ટીમંડળ વતી હિતેશ હાંસલિયાએ સૌને આવકાર્યા હતા. અને ત્યાર બાદ હવેલીના સ્થાપક શ્રીમતિ હંસાબેન પટેલે પણ સોને આવકાર્યા અને અમર શહીદોને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. તથા આવા પ્રસંગો માટે હવેલીનો હોલ નિશુલ્ક ખુલ્લો છે એમ જણાવ્યું હતું .

આ પ્રસંગે હવેલીના મુખિયાજી શ્રી પંકજભાઈ વ્યાસજીએ પ્રસંગને અનુરૂપ શાંતિમંત્રોનુ પઠન કર્યું હતું. અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમાં ડાઁ.સુરેન્દ્ર શર્મા, સુરેશ લોહિયા , અરૂણ દત્ત વગેરે મુખ્ય હતા. આ પ્રસંગે સ્વ. બિપીન રાવતના જીવનના કેટલાક વિડીઓ રજૂ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ શ્રદ્ધાંજલિનો વિડીઓ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડાઁ. સુરેન્દ્ર શર્માએ કર્યું હતું