દલીત યુવાનની હત્યાના મામલે સુપ્રીમે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી

દલીત યુવાનની હત્યાના મામલે સુપ્રીમે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી

નવી દિલ્હી

શાપર (વેરાવળ)માં દલિત યુવાનને ફેકટરીના દરવાજા પર બાંધીને કૃરતાપૂર્વક માર મારી હત્યા કરવાના ગુનામાં હાઇકોર્ટના જામીન આપવાના ચુકાદા વિરુધ અપીલ નહી કરવા બદલ રાજ્ય સરકાર અને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનની નામદાર સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે.

વર્ષ ૨૦૧૮માં રાજકોટ નજીક શાપર (વેરાવળ) જીઆઈડીસીમાં એક ફેક્ટરીની બહાર પાછળના ભાગે લીંબડી પાસેના અનુસુચિત જાતિના મજુર યુવાન મુકેશભાઇ વાણીયા અને તેમની પત્ની ભંગાર કચરો વિણતા નીકળેલ ત્યારે ફેક્ટરીના માલીક સહિત પાંચેક જણાએ આવી મુકેશભાઇ વાણીયાને ફેક્ટરીના દરવાજા સાથે બાંધી પાઇપ અને પટ્ટા વડે ઢોર માર મારી હત્યા નિપજાવી હતી.

આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 302, 323, 114 વિગેરે તથા એટ્રોસીટી એકટ ના ગુનાની FIR કરી ગુના નોંધી અટક કરી જેલભેગા કરેલ. એટ્રોસીટી ની સ્પે. કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ હતી. બે આરોપીઓએ જયસુખ રાદડિયા અને તેજસ ઝાલાએ વારાફરતી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજીઓ કરતા તેઓ ને તા. 4/2/2019 અને 5/2/2019 ના હાઇકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.આવા ગંભીર ગુનાઓમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જરુરી હોવા છતાં કરી ના હતી. પરંતુ મૃતક મુકેશભાઇના વારસ પિડીત એવા જયાબેને નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

આ અપીલ માટે ગુજરાત હાઇકોર્ટના યુવાન વકીલ સુબોધ પરમારે સખત મહેનત કરી પેપર્સ તૈયાર કરી મટીરીયલ તૈયાર કરેલ હતું. અપીલ કરનાર જયાબેન વતિ સુપ્રીમ કોર્ટના નામાંકિત સીનીયર એડવોકેટ કોલીન ગોન્સલવીસ તરફથી જોરદાર દલીલો કરવામાં આવેલ હતી. ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટે ૧૦ જાન્યુઆરીએ ચુકાદો જાહેર કરી ગુજરાત હાઇકોર્ટનો જામીન પર છોડવાનો હુકમ રદ કરી બંને આરોપીઓને જેલભેગા થવાનો હુકમ કરેલ છે.

સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ગુજરાત સરકાર અને ડીપાર્ટમેન્ટના ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનની આવા ગંભીર ગુનામાં અપીલ નહિ કરવા બદલ ઝાટકણી કાઢેલ છે. સુપ્રીમ કોર્ટ એવુ અવલોકન કરે છે કે સરકારે આવા ગુનામાં અપીલ ન કરી તે એક ગંભીર બાબત છે. પિડીતના હક્ક નું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ ગયેલ છે. આરોપીને જામીન પર છોડવાના હુકમ સામે અપીલ કરવા જેવો આ ફીટ કેસ હતો તેવો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો. ફોજદારી મેટરમા વ્યથિત પક્ષકાર તે સરકાર છે કે જે સમાજ ના હિતોની કસ્ટોડિયન છે. અને તેથી સરકારે સમાજ ના હિતો ની વિરૂદ્ધ કૃત્ય કરે તેને બૂક કરવાની સરકાર ની ફરજ છે. સુપ્રીમ કોર્ટ વધુમાં કહ્યું હતું કે ગુજરાત સરકારમાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન છે.

આ કિસ્સામા આ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન તેની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલ છે. ફોજદારી ગુનાઓના ન્યાયના વહિવટની બાબતમાં આ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનનો હોદો ખૂબ મહત્ત્વનો છે. તાત્કાલિક નિર્ણય લેવાની તેની ફરજ છે. આવા ગુનાઓ સમાજને નુકસાનકારક છે તેથી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનની ભૂમિકા અગત્યની બની રહે છે. ક્રિમીનલ પ્રોસીજર કોડ ની કલમ 25A માં આપેલ સતાની રૂએ રાજ્ય સરકાર તેની નિમણુંક કરે છે. કલમ 25A(2) મુજબ જેનો વકીલાત નો અનુભવ દસ વરસથી ઓછો ન હોય તેની ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન તરીકે હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ ની સાથે મસલત કરીને તેની નિમણુંક કરવાની લાયકાત નક્કી કરેલ છે તેથી તેનો રોલ ક્રુશિયલ ગણાય. રાજ્ય સરકારે આવી ગંભીર ઘટનામાં કાયદાનું શાસન જાળવવામાં ગંભીર બનવુ જરૂરી હતુ કે જ્યારે એક વ્યકિત ફેકટરી ની બહાર તેની પત્ની અને કાકી સાથે માત્ર ભંગાર વિણી રહ્યો હતો ત્યારે તેની કૃરતાપૂર્વક માર મારી હત્યા કરવામાં આવે છે.

વધુમાં સુપ્રીમ કોર્ટ નોંધે છે કે ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન ની ફરજ છે કે ગુનેગારો ને બુક કરી સજા કરાવવી. સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી કે ભવિષ્ય મા રાજ્ય સરકાર તેનું કાયદા ખાતુ અને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન આવા કિસ્સાઓ માં ત્વરિત નિર્ણય લઈ આ ગુના જેવા ગંભીર ગુનાઓ મા જો હાઇકોર્ટ કે ટ્રાયલ કોર્ટ જામીન પર છોડવાનો હુકમ કરે તેને સુપ્રીમ કોર્ટ માં પડકારશે. આમ મહત્વપૂર્ણ ચુકાદો આપી આ ચુકાદાની નકલ સરકાર ના ચીફ સેક્રેટરી, સેક્રેટરી, હોમ ડીપાર્ટમેન્ટ અને કાયદા ખાતાને મોકલવાનો હુકમ કરી યોગ્ય પગલા લેવા આદેશ કરેલ છે.