ભાજપનો પલટ વાર : મુલાયમ યાદવની પુત્રવધુના ભાજપમાં સામેલ

ભાજપનો પલટ વાર : મુલાયમ યાદવની પુત્રવધુના ભાજપમાં સામેલ

લખનૌ,

દેશમાં સૌથી વધુ લોકસભા બેઠક ધરાવતા અને દિલ્હીમાં સરકાર રચવાનો માર્ગ સરળ બનવાતા રાજ્ય ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ ,સમાજવાદી પાર્ટી,બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ સહીત અન્ય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની પોલીટીકલ ટુર પણ શરુ થઇ ગઈ છે. રાજ્યના મંત્રી સહીત અનેક ધારાસભ્યોને સમાજવાદી પક્ષમાં સામેલ કરી ભાજપને ઝટકો આપનાર પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને હવે ભાજપે જોરદાર આંચકો આપ્યો છે.

બુધવારે ભાજપે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પક્ષના સ્થાપક મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતિક યાદવની પત્ની અપર્ણા યાદવને કેસરિયા કરાવીને પક્ષમાં સામેલ કરી લીધા હતા અને મુખ્યમંત્રી બનવાના સપનાં જોઈ રહેલા સમાજવાદી સુપ્રીમો અખિલેશ યાદવને ઝટકો આપ્યો હતો. રાજધાની દિલ્હી ખાતે અપર્ણા યાદવે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આમ તેઓ અધિકૃત રીતે ભાજપમાં જોડાય ગયા છે.

અગાઉ અપર્ણા યાદવ લખનૌ કેંટથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે પરંતુ તેઓ હારી ગયા હતા. એવામાં ભાજપ તરફથી ફરીથી અપર્ણાને ટિકિટ મળી શકે છે. નોંધનીય છે કે અપર્ણા મુલાયમ સિંહના બીજા પત્નીના દીકરા પ્રતિક યાદવના પત્ની છે પરંતુ તેમના સંબંધ અખિલેશ યાદવ સાથે સારા નથી રહ્યા.સમાજવાદી પાર્ટીમાં રહીને પણ અપર્ણા યાદવે સમયાંતરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરમાં પ્રશંસા કરી છે.

દરમિયાન અખિલેશ યાદવના નાના ભાઈની પત્ની અપર્ણા યાદવને ટિકિટ આપવાના સવાલ પર તેમણે કહ્યું કે, અમારા પરિવારની અમારાથી વધુ ચિંતા ભારતીય જનતા પાર્ટીને છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં સમાજવાદી પાર્ટીએ ભાજપના ઘણા નેતાઓ તથા દિગ્ગજ મંત્રીઓને પોતાની પાર્ટીમાં સામેલ કરાવ્યા છે ત્યારે ભાજપે મુલાયમ સિંહના પરિવારમાં જ ફટકો પાડ્યો છે.