ગાંધીનગરમાં ચાલતા સફાઈ કર્મચારીઓના આંદોલનની હાર્દિક પટેલને ૭૯ દિવસ પછી આવી યાદ

ગાંધીનગરમાં ચાલતા  સફાઈ કર્મચારીઓના આંદોલનની હાર્દિક પટેલને ૭૯ દિવસ પછી આવી યાદ

ગાંધીનગર

વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક રાજકીયઅને સામાજિક આગેવાનો અત્યારથી જ સક્રિય બની ગયા છે અને ચૂંટણીમાં લાભ માટે વિવિધ વર્ગનાં આંદોલનને ટેકો પણ આપી રહ્યા છે અને મુલાકાત પણ લઇ રહ્યા છે. ત્યારે રાજ્યની રાજધાની ગાંધીનગરના સેક્ટર-12 ખાતે છેલ્લા ૭૯ દિવસથી સફાઈ કર્મચારીઓ મહાનગર પાલિકામાં કાયમી નોકરી મેળવવા હેતુ ભૂખ હડતાળ સાથે આંદોલન કરી રહ્યા છે.

જો કે હવે વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે આંદોલનને રાજકીય રંગ પણ આપવાના પ્રયાસ થઇ રહ્યા છે. જેમાં કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોએ રસ દાખવ્યો છે. ગતરોજ મંગળવારના રોજ કોંગ્રેસના નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ સફાઈ કર્મચારીઓની મુલાકાત લીધી હતી અને તે સફાઈ કામદારોને મળવા સેક્ટર 12 ખાતે આવી પોહચ્યાં હતા. જ્યાં હાર્દિક પટેલે તેમની સાથે રહેવાની વાત કરી અને સફાઈ કમદારોને રાષ્ટ્રીય સંપત્તિ ગણાવી હતી.

આંદોલન શરૂ થયાને બુધવારના રોજ ૮૦ દિવસ થયા છે ત્યારે આજ દિન સુધી કેમ હાર્દિક પટેલને સફાઈ કામદારોની યાદ ન આવી અને હવે જ કેમ તે સફાઈ કામદારોના સમર્થન માં આવ્યા તે ચર્ચાએ પણ આંદોલન સ્થળે વેગ પકડ્યો હતો. આંદોલન કરીઓમાં ચાલી રહેલ ચર્ચા અનુસાર 4 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસનો સજ્જડ પરાજય થયો છે. જેથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે કોંગ્રેસ નાના નાના આંદોલનમાં જઈ તેમને સમર્થન કરી રહી છે.

ત્યારે સેક્ટર-12 ખાતે આવેલ હાર્દિક પટેલે સફાઈ કર્મચારીઓ સાથે મુલાકાત કરી તેમની વેદના સાંભળી હતી. પરંતુ આ સમગ્ર આયોજન ઉપર જ્યારે મીડિયાએ હાર્દિક પટેલને એક પ્રતિક્રિયા આપવા જણાવ્યું ત્યારે હાર્દિક પટેલે સાફ શબ્દોમાં મીડિયા ને ન પાડી. એટલે કહી શકાય કે તમને માત્ર દેખાવ પૂરતું જ સફાઈ કર્મચારીઓના સમર્થનમાં આવવુ હતું પરંતુ સફાઈ કર્મચારીઓના સમર્થનમાં મીડિયા સમક્ષ કોઈ પ્રતિક્રિયા આપી નહિ.

જો કે ફેસબુક પર ફોટો શેર કરીને હાર્દિકે પટેલે કહ્યું હતું કે પાટનગર ગાંધીનગર ખાતે છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાકટ પદ્ધતિ ના નામે થતા શોષણ ની વિરોધમાં આંદોલન કરતા સફાઈ કર્મચારીઓને મળ્યો અને મારા તરફથી તમામ સહયોગનું વચન આપ્યું. હું હંમેશા થી કહું છું કે ગુજરાતમાં કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ થવી જોઈએ. આપણે સૌએ સફાઈ કર્મચારીઓ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. એક વાત યાદ રાખજો કે સફાઈ કર્મચારીઓના કારણે જ દેશ સ્વચ્છ છે.