VIRAL VIDEO: અમદાવાદના RTO માં ચાલતા કૌભાંડનો વીડિયો વાયરલ

અમદાવાદ,

રાજ્યમાં ગૃહ અને મહેસુલ વિભાગ પછી જો કોઈ મલાઈદાર વિભાગ હોય તો તે છે વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતું આરટીઓ કચેરી,અહિયાં સુપ્રીમ કોર્ટ દ્વારા એજન્ટ પ્રથા પર મનાઈ મુકેલી હોવા છતાં એજન્ટ વિના જો નાનું અમથું કામ કરાવવું હોય તો પણ એ મહાભારતના સાત કોઠા વીંધવા સમાન હોય છે.

ત્યારે સોશિયલ મીડિયા પર બે દિવસથી એક વિડીયો અમદાવાદ આરટીઓ કચેરી બહારનો વાયરલ થયો છે.જેમાં આરટીઓમાં ચાલતાં કૌભાંડનો પર્દાફાશ થતો જોવા મળી રહ્યો છે.વાયરલ થયેલા વિડીયોમાં એક તથાકથિત એજન્ટ પરીક્ષામાં ફેલ થયેલા અરજદાર સાથે વાત કરતો દેખાય રહ્યો છે.જેમાં તે કબુલાત કરે છે કે ઉપર સુધી પૈસા આપવા પડે છે અને પાસ થવાના ૫૫૦૦ રૂપિયા ભાવ ચાલે છે.પરીક્ષામાં ફેલ થાવ છતાં પાસનું સર્ટીફીકેટ અપાવવાનો એજન્ટ દાવો કરતો પણ જણાઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આરટીઓમાં ડ્રાઈવિંગ લાયસન્સથી લઈને આરસીબુક,લાયસન્સ રીન્યુ તેમજ હેવી લાયસન્સ સહિત પોલીસ દ્વારા ટોઈંગ કરાતા વાહનોને છોડાવવા માટે લોકોને એજન્ટ દ્વારા કામ કરાવવા સિવાય મેળ પડતો હોવાની વાત તો અમદાવાદમાં જગજાહેર છે.હવે જોવાનું રહ્યું કે વાયરલ વિડીયોને ધ્યાનમાં રાખી સરકાર શું કાર્યવાહી કરે છે.