અમદાવાદની ઢાળની પોળના રહીશોએ ફિલ્મી શુટિંગ સામે કરી અરજી

અમદાવાદની ઢાળની પોળના રહીશોએ ફિલ્મી શુટિંગ સામે કરી અરજી

અમદાવાદ,

અમદાવાદમાં જ્યારથી રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે અને તેને હેરીટેજ સીટી દરજ્જો મળ્યો છે ત્યારથી અમદાવાદ ગુજરાતી ઉપરાંત હિન્દી તેમજ અન્ય ફિલ્મ ઉધોગની નજરમાં વસી ગયું છે.

જેના પરિણામે છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદમાં ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓની ફિલ્મ માટે શુટિંગ ડેસ્ટીનેશન બનતું જાય છે પરંતુ હવે આ બધા શુટિંગના તામજામથી સ્થાનિક લોકોને હાલાકીનો સામનો પણ ઉઠાવવો પડી રહ્યો છે જેના પરિણામે અમદાવાદ આસ્ટોડિયા દરવાજા પાસે આવેલ અને હેરિટેજ વારસો ધરાવતી ઢાળની પોળના રહીશો પોળમાં શૂટિંગ ના થાય તેમ ઈચ્છી રહ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકાના મુખ્ય કચેરી નજીક આવેલ ઢાળની પોળના 67 રહીશોએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને અરજી કરીને પોળમાં ફિલ્મ, નાટક કે ધારાવાહિક કે અન્ય જાહેરાત માટે શૂટિંગની મંજુરી ના આપવા અને આપી હોય તો રદ્દ કરવા રજૂઆત કરી છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો શૂટિંગ ચાલુ રહેશે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

અરજીમાં રહીશોએ રજૂઆત કરી છે કે શુટિંગના કારણે ટ્રાફિક જામ થઇ જાય છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં પોલીસ કમિશનર ઓફિસે સ્થાનિકોનો અભિપ્રાય જાણ્યા વિના મંજુરી આપી છે.

એક રહીશે કહ્યું હતું કે શુટિંગ માટે આવતા ફિલ્મ ક્રૂ મેમ્બર્સ નશાની હાલતમાં ફરતા હોય છે પોળનું વાતાવરણ પણ ખરાબ કરે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં અમદાવાદને મળેલા હેરીટેજ સિટીના દરજ્જા બાદ અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મનું શૂટિંગ ઢાળની પોળમાં થયું છે કે જેમાં વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' પણ સામેલ છે.