બે બૂટલેગરોને પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયા

બે બૂટલેગરોને  પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયા

ગોધરા,

પંચમહાલ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ઓક્ટોબર-૨૧ થઈ લઈને અત્યાર સુધીમાં ૮ બુટલેગરો પર પાસાની કાર્યવાહી કરવા માટે એલસીબીએ દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલને મોકલી આપી હતી.

ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગમાં બાપુનગરની બાજુમાં વચલા ફળિયામાં રહેતા લિસ્ટેડ પ્રોહીબિશન બુટલેગર કનુભાઈ ઉદેસિંહ બારીયા સામે ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથક અને મોરવા હડફ પોલીસ મથકમાં પ્રોહીબિશનના ૪ ગુન્હા નોંધાયેલા છે. જ્યારે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામના નવા ફળિયામાં રહેતા લિસ્ટેડ પ્રોહીબિશન બુટલેગર ભોદુભાઈ લીમજીભાઈ રાઠવા સામે દામાવાવ તથા રાજગઢ પોલીસ મથકે વિદેશી દારૂ પોતાના કબ્જામાં રાખવાનો તેમજ વેચવાનો અને હેરાફેરી કરવાના કુલ ૯ ગુન્હાઓ દાખલ થયેલ છે.

જેથી આ બન્ને લિસ્ટેડ પ્રોહીબિશન બુટલેગરો સામે કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપેલ હતી આ પાસાની દરખાસ્ત જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા જ આ બન્ને લિસ્ટેડ પ્રોહીબિશન બુટલેગરોની પાસા ધારા હેઠળ અટકાયત કરીને સુરત જેલમાં મોકલી આપ્યા છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧માં પંચમહાલ જિલ્લામાંથી ૧૪ જેટલા અસામાજીક તત્વો સામે પાસા ધારા હેઠળ કાર્યવાહી કરીને અલગ અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.