ઇન્ડિયા કોલોની વોર્ડમાં શ્રમિકોના બાળકોનું છીનવાયુ રમતનું મેદાન

બે દિવસ પહેલા જ અમદાવાદના નરોડામાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરનું ગેરકાયદે બાંધકામ પોલીસ અને કોર્પોરેશન તંત્રએ સાથે મળીને તોડી નાખીને વાહવાહી લુંટી છે ત્યારે બીજીબાજુ ઇન્ડિયા કોલોની વોર્ડની ઓફીસ પાછળ જ સ્થાનિક તંત્ર સાથે સાંઠગાંઠ કરીને શ્રમજીવી પરિવારના બાળકો માટે ક્રિકેટ રમવાના મેદાન  પર જ બિલ્ડરે ગેરકાયદે કબ્જો કર્યો છે, ખાલી પડેલા મેદાનમાં બિલ્ડર દ્વારા ગેરકાદેસર નદીમાંથી નીકાળેલી રેતીનો ખડકલો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે સ્થાનિક યુવકોનું ક્રિકેટ રમવાનું પણ બંધ થઇ ગયું છે.

નરોડા રોડ અશોક મિલ પાસે જ ઇન્ડિયા કોલોની વોર્ડની સબ ઝોનલ ઓફીસ આવેલી છે. જેની પાછળ કોર્પોરેશનનો એક ખુલ્લો પ્લોટ છે જ્યાં વર્ષોથી વિસ્તારમાં આવેલી અશોકની ચાલી,બંસીની ચાલી,ઘાંચીની ચાલી,શાંતિ નિવાસ, લક્ષ્મીપુરા,સી કોલોની અને બુદ્ધનગરના યુવકો ક્રિકેટ રમતાં રહ્યા છે. પરંતુ હવ છેલ્લાં એક વર્ષથી આ મેદાન પર ગેરકાયદે રેતની ખડકલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે બાળકોનું મેદાન જ છીનવાઈ ગયું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓના આશીર્વાદથી સત્તાધારી પક્ષના એક આગેવાન દ્વારા મેદાન પર રાતે ગેરકાયદે રેતીના ડમ્પરો ખાલી કરવામાં આવે છે જેના કારણે હવે મેદાનમાં સહેજ પણ ખુલ્લી જગ્યા રહી નથી. જયારે અન્ય એક સ્થાનિક યુવકે કહ્યું હતું કે કન્સ્ટ્રકશનના માલસમાનનો વ્યવસાય કરતાં સ્થાનીક આગેવાને આગળ પડતા સ્થાનિકોને સાથે સાંઠગાંઠ કરીને સરકારી પ્લોટમાં રેતીનો ખડકલો શરુ કર્યો છે  અને ચોંકાવનારી બાબત તો એ છે કે સમગ્ર અમદાવાદમાં રાતે ૧૦ કલાકથી કર્ફ્યું હોય છે ત્યારબાદ જ અહિયાં રેતીના ડમ્પરો ખાલી કરવામાં આવે છે. જેની સામે પોલીસ તંત્ર પણ આંખમીંચામણાં કરી રહ્યું હોવાનું સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે.

જયારે અન્ય એક યુવકે નિરાશા સાથે જણાવ્યું હતું કે અહિયાં પહેલા પોલીસ કે ટીઆરબીની ભરતી માટે ઉમેદવારો દોડ સહીત અન્ય પ્રેક્ટીકલ પરીક્ષાની તૈયારીઓ પણ કરતાં હતા પણ છેલ્લાં ઘણા સમયથી ગેરકાયદે રેતીના ખડકલાથી યુવકોને તૈયારીઓ કરવા છેક પાંચ કિલોમીટર દુર એસઆરપી ગ્રાઉન્ડ જવું પડે છે. આ ઉપરાંત એક મહિલાએ કહ્યું હતું કે આ સ્થળથી મેયરનું ઘર માંડ ૧ કિલોમીટર અને સ્થાનિક મહિલા કાઉન્સિલરનું ઘર ૨૦૦ મીટર પણ દુર નથી છતાં બે રોકટોક ગેરકાયદે રેતીનો ખડકલો કરવામાં આવી રહ્યો છે.