કોરોનાના સમયમાં કેન્દ્રનું બજેટ ઊંટના મોઢામાં જીરા સમાન છે - મોઢવાડિયા

કોરોનાના સમયમાં કેન્દ્રનું બજેટ ઊંટના મોઢામાં જીરા સમાન છે - મોઢવાડિયા

ગાંધીનગર,

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા આજે સંસદમાં રજુ કરવામાં આવેલ બજેટને નિરાશાજનક ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોરોનાના વિકટ સમયમાં આ બજેટ ઊંટના મોઢામાં જીરા સમાન છે. બજેટને લઈને અપેક્ષા એવી હતી કે અર્થતંત્રની ગાડીના જે પૈડા અટકી ગયા છે તેને આગળ ધપાવવા માટે, મોઘવારી નાબુદ કરવા તેમજ રોજગારીની તકોના સર્જન માટે મહત્વની જાહેરાતો કરવામાં આવશે. પરંતુ આ તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે માત્ર કોર્પોરેટ સેક્ટરના મુડીવાદી લોકોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે. પરંતુ GSTની 1.40 લાખ કરોડની ઐતિહાસિક આવક છતા ઈન્કમ ટેક્સમાં કોઈ રાહત ન આપીને મધ્યમ વર્ગને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. બજેટમાં ખેડુતો માટે MSP ની જોગવાઈ અને આવક વધે તે માટેની જાહેરાતની જે અપેક્ષાઓ રખાતી હતી તે પણ ઠગારી નિવડી છે. તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપરના જીએસટી સ્લેબમાં ઘટાડીની અપેક્ષા પણ પુરી થઈ નથી.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ બજેટ આમ આદમી માટે કટોરા દર્ખાસ્ત સમાન છે. કોરોનાથી મૃત્યુ થયા છે તેમના પરિવારને સહાય માટે ૪ લાખ ના વળતર જાહેરાતની અપેક્ષા રખાતી હતી તે પણ ઠગારી નિવડી છે. વૃદ્ધો માટે આજીવિકાના સાધન સમાન વ્યાજદરોમાં કોઈ વધારો નથી. રાજ્ય સરકારોને સહાયને બદલે માત્ર લોનની જોગવાઈ કરાઈ છે, બજારમાં માંગ ઉભી કરવા કે નાના ઉદ્યોગોના વિકાસ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

વિદેશી યુનિવર્સીટીઓ ને નિમંત્રણ આપી શિક્ષણ મોંઘું કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે. તેમજ શહેરી વિકાસ માટે ઉચ્ચસ્તરીય કમિટિ બનાવી દેશના 50% ને શહેરી વિસ્તારમાં આવરી લઈ ગામડાં નાબુદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે સમગ્ર રીતે આંકડાઓની માયાજાળ રચી માત્ર ફુલ ગુલાબી સ્વપ્ન બતાવવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિક્તામાં એવી કોઈ જાહેરાત નથી થઈ કે જેનાથી મોંઘવારી ઘટે અથવા બેરોજગાર યુવાનોને રોજગારી મળે કે ગરીબ, મધ્યવર્ગની જનતાને રાહત મળે.