હોળીમાં કમાણી કરવા માટે લક્ઝરી બસો દ્વારા સરેઆમ ટ્રાફિકના કાયદાનો ભંગ

અમદાવાદ

હોળી-ધુળેટીના તહેવારને આડે હવે ગણતરીના કલાક બાકી છે ત્યારે એક રાજસ્થાની લોકો માટે એક કહેવત યાદ આવે છે દિવાળી અટેકટે પર હોળી તો ઘેર જ,એટલે કે રાજસ્થાની લોકો હોળી-ધુળેટીના પર્વને દિવાળી કરતા પણ વધારે મહત્વ આપે છે જેના કારણે વર્ષોથી ગુજરાતમાં કામ કરતા કે સ્થાયી થયેલા લોકો પણ હોળીની ઉજવણી અર્થે રાજસ્થાન જતા હોય છે.

પરંતુ હોળી-ધુળેટીના તહેવારને આડે એકાદ સપ્તાહનો સમય બાકી રહે ત્યારથી જ જાણે ટ્રાવેલ્સ કંપનીઓને બક્કા પડી જતા હોય તેવું ચિત્ર દર વર્ષે સર્જાય જ છે. હોળી-ધુળેટીના પર્વ ટાણે લક્ઝરી સંચાલકો અને ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા ભાડામાં બેફામ વધારો ઝીંકી દેવામાં આવે છે અને સામાન્ય દિવસ કરતા બમણું કે તેના કરતા વધારે પણ ભાડું ટ્રાવેલ્સ સંચાલકો વસુલતા હોય છે પંરતુ બમણું ભાડું આપવા છતાં લોકોને બસનીછત પર મુસાફરી કરવાનો વારો આવતો હોય છે અને તહેવારની ઉજવણી કરવા હેતુ લોકો ગામડે જવા જીવન જોખમે બસની છત પર મુસાફરી કરવા પણ તૈયાર થઇ જતા હોય છે.

જો કે અમદાવાદના મેમ્કોથી લઈને નરોડા પાટિયા અને નરોડા બેઠક તેમક ગેલેક્ષી સર્કલે અનેક ટ્રાવેલ્સ કંપનીઓ પોલીસ સાથે મિલીભગત કરીને ભાડું તો બમણું વસુલે જ છે પણ મુસાફરોને બસની છત પર બેસવા પણ મજબુર કરીને શક્ય તેટલી કમાણી હોળીના તહેવાર ટાણે કરતી હોવાનું નરોડામાં ચર્ચાય રહ્યું છે,

એક સ્થાનિકે મોકલેલા વિડીયોમાં નરોડા બેઠક સ્થિત એસટી બસસ્ટેન્ડ આગળ જ લક્ઝરી ચાલકો મુસાફરોને લઇ જતા હોય છે અને છત પર બેસાડતા પણ હોય છે જે સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ જ ચાલે છે નહીતર નિયમ અનુસાર એસટી બસ સ્ટેન્ડથી ૫૦૦ મીટરના અંતરે જ ખાનગી વાહન ચાલકો કે ટ્રાવેલ્સ ઉભી રહી શકે છે. અન્ય એક સ્થાનિકે કહ્યું હતું કે નરોડા પોલીસના ઓથા હેઠળ જ ટ્રાવેલ્સ માલિકો મુસાફરોન મનફાવે તેમ ભાડું તો વસુલે જ છે પણ સાથે સાથે જીવન જોખમે મુસાફરી કરવાની આડકતરી મંજુરી દર વર્ષે આપી દેતું હોય છે.

અન્ય એક વેપારીએ નામ ના આપવાની શરતે કહ્યું હતું કે દર વર્ષે હોળી અને દિવાળીના ટાણે ખાનગી લકઝરીઓ જીવના જોખમે જ મુસાફરોને સવારી કરવાતી હોય છે પણ તેની સામે આંખમીંચામણાં કરતી નરોડા પોલીસ નરોડા ગામમાં આવેલા પ્રાચીન હનુમાન મંદિરનાદર્શને આવતા ભકતો અને શ્રધાળુઓના વાહનો તરત જ ટોઈંગ કરી લેતી હોય છે અને દંડ વસુલતી હોય છે જેના કારણે દર્શને આવતા લોકોને દર્શન અને પ્રાથર્ના સમયે પણ વાહન ટોઈંગ થવાનો ડર કરી રાખ્યો છે. જ્યારે બજારમાં ઉભા રહેતાં શટલ રિક્ષા અને આવા ખાનગી વાહનોથી મસ મોટી હપ્તાખોરી કરી તેમને નિયમો તોડવાનો પરવાનો આપે છે.