સંઘ સુપ્રિમોની અધ્યક્ષતામાં પીરાણા ખાતે ૧૧મી થી યોજાશે ત્રિદિવસીય બેઠક

સંઘ સુપ્રિમોની અધ્યક્ષતામાં પીરાણા ખાતે ૧૧મી થી યોજાશે ત્રિદિવસીય બેઠક

(હિતેન્દ્રસિંહ રાજપુત)

રાષ્ટ્રીય સ્વમ સેવક સંઘની દર વર્ષે યોજાતી પ્રતિનિધિ સભા 34 વર્ષ બાદ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. અમદાવાદ પાસે આવેલા પીરાણાતીર્થ ખાતે સરસંઘ ચાલક મા. મોહનજી ભાગવતની અધ્યક્ષતામાં 11મી થી 13 માર્ચ સુધી આ બેઠક ચાલશે.

પીરાણા ખાતે યોજાનારી પ્રતિનિધી સભા સંદર્ભે આજે સંઘના નેતા સુનિલ આંબેકરે એક પત્રકાર પરિષદ યોજીને ત્રણ દિવસ ચાલનારી આ સભાની વિગતો આપતાં તેમને કહ્યું હતું કે આ સભામાં સંઘની 36 જેટલી ભગિની સંસ્થાઓ ના સંગઠનમંત્રી અને તેમના પ્રતિનિધિ મળીને કુલ 1248 લોકો ઉપસ્થિત રહેવાના છે.

આ સભા મુખ્યતઃ સંખ્યા અને નિર્ણયોની દૃષ્ટિથી ખૂબ મહત્વની છે, તેમને વધુમાં જણાવ્યું હતું કે આ સભામાં અખિલ ભારતીય સ્તરે ગત વર્ષે કરેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવશે અને આવનારા વર્ષ માટેની કાર્યયોજના બાબતેની ચર્ચા વિચારણા કરવામાં આવશે.

11 મી સવારે 9 વાગે સર સંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતના હસ્તે દીપપ્રાગટ્ય કરીને સભાની શરૂઆત કરવામાં આવશે, 13 મી માર્ચ સાંજ સુધી ચાલનારી આ સભામાં મુખ્યત્વે સંઘના સરકાર્યવાહ મા શ્રી દત્તાજી હોસબોલે સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડા અને રાષ્ટ્રીય સંગઠનમંત્રી બી.એલ સંતોષ તેમજ વિશ્વ હિંદુ પરિષદ, એબીવીપી, કિસાન સંઘ, મજદૂર સંઘ જેવી તમામ ભગિની સંસ્થાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહેવાના છે.

મહત્વની બાબત એ છે કે 2025 માં સંઘને 100 વર્ષ પૂર્ણ થશે જેને ધ્યાનમાં લઈને આ બેઠકમાં વિશેષ આયોજન સહિત સંઘકાર્ય વિસ્તારની યોજના પર ખાસ ભાર મૂકવામાં આવશે, હાલ દેશભરમાં 55 હજાર શાખા લાગે છે અને તેને વધારીને 1 લાખ સ્થળ સુધી લઈ જવાનું લક્ષ્યાંક મુકવામાં આવશે.

આ ઉપરાંત સ્વાધીનતાનાં 75 વર્ષ પૂર્ણ થતાં હોવાથી દેશભરમાં એવા અજાણ્યા સ્વતંત્રતા સેનાની, વીર-વિરંગનાઓ, ઐતિહાસિક ઘટનાઓ અને સ્થળો જે વર્તમાન ઈતિહાસમાં અંકિત થઈ શકયા નથી તેવાં સંસ્કારણો ને એકત્રિત કારી લોકો સુધી પહોંચાડવા માટેની યોજના તેમજ દેશભરમાં વર્તમાન પરિસ્થિતિઓ અને શહેર અને ગ્રામ્ય વિસ્તારો સુધી લોકોને સ્વનિર્ભર બનાવવા માટે ની યોજનાઓ પર સહુ મળીને ચર્ચા વિચારણા કરશે.

આ ઉપરાંત પ્રતિનિધી સભામાં દેશભરમાં થી વિવિધ ભગિની સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે પીરાણાતીર્થ ખાતે જ એક વિશેષ પ્રદર્શની પણ રાખેલ છે, જેમાં સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાત અને સંઘની ભૂમિકા અને ગુજરાતમાં 1938 થી સંઘકાર્યની વિસ્તૃત માહિતી અને આલેખ મુકવામાં આવ્યા છે.

અમદાવાદનાં પીરાણા ખાતે ત્રણ દિવસ ચાલનારી આ અખિલ ભારતિય પ્રતિનિધિ સભા 13 મી માર્ચે સાંજે પૂર્ણ થશે.