સ્માર્ટ સ્કુલની બાંગ વચ્ચે સરકારી શાળાઓમાં બાળકો પાસે કરાવાય છે સફાઈકામ

 અમદાવાદ,

વર્ષ ૨૦૨૧માં થયેલા સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં અમદાવાદ શહેરના રેન્કિંગમાં ત્રણ ક્રમનો ઘટાડો થઇ તે ૧૦માં નંબરે સરકી ગયું હતું. જેના પાછળ કારણ અનેક હશે પરંતુ તે વાતને ત્રણ મહિના વીતી ગયા પણ અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર હજુ પણ કુંભકર્ણ નિંદ્રામાં હોવાનું જ પુરવાર થયું છે.

અમદાવાદ મહાનગર પાલિકાના સ્કુલ બોર્ડ દ્વારા શ્રમજીવી અને ગરીબ પરિવારના બાળકોને મફતમાં શિક્ષણ મળી રહે તે હેતુ વિવિધ વિસ્તારોમાં સરકારી શાળાઓ ચલાવવામાં આવે છે તે ઉપરાંત સ્માર્ટ સ્કુલ અને અને મોર્ડન સ્કૂલોના નામે કરોડો રૂપિયા વાપરી નાખે છે પણ શિક્ષણની ગુણવત્તા અને વાસ્તવિકતા તદ્દન જુદી જ છે.

અહિયાં શિક્ષણના બદલે વિધાર્થીઓ પાસે બીજા કામ કરવવામાં આવતા હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા જ હોય છે ત્યારે નરોડાના ભરવાડ વાસ સ્થિત કોમ્યુનીટી હેલ્થ સેન્ટર સામે આવેલ કુમાર શાળા નંબર ૪ના વિધાર્થીઓ પાસે શાળાના શિક્ષકો દ્વારા રોજ નિયમિત સફાઈ કામ કરવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

નવગુજરાત ટાઈમ્સે કેપ્ચર કરેલા વિડીયોમાં શાળામાં અભ્યાસ કરતી બે બાળકીઓ શાળાના સંકુલમાંથી કચરો વાડીને રોજ ડસ્ટબિનમાં કચરો ભરીને શાળાની બહાર રોડ પર મુકેલ કચરાપેટીમાં ઠાલવતી દેખાય રહી છે. કચરો ઠાલવતી વખતે ત્યાં એક ગાય પણ હતી જેને બાળકી ભગાડવાના પ્રયાસ પણ કરતી દેખાય છે જો તે વખતે ગાય બાળકીને શિંગડું મારે કે લાત મારે અને બાળકીઓ ઘાયલ થાય તો કોની જવાબદારી બને? શું શાળાના શિક્ષકોની જવાબદારી બને કે પછી આચાર્યની કે પછી શાળાના વોચમેનની ? કારણ કે વોચમેનની જવાબદારી હોય છે કે બાળકીઓ શાળામાં આવ્યા બાદ જ્યાં સુધી છુટે નહિ ત્યાં સુધી બહાર ના જઈ શકે તેવો નિયમ છે.

અમદાવાદ મહાનગર પાલિકામાં ચૂંટાયેલ પાંખની દ્રષ્ટીએ પાંચ હોદ્દા મહત્વપૂર્ણ હોય છે. પ્રથમ મેયર, દ્રિતીય ડેપ્યુટી મેયર,તૃતીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,ચોથો એએમટીએસ ચેરમેન અને પાંચમું સ્કુલ બોર્ડ ચેરમેન .હવે જાણીને નવાઈ લાગશે કે કુમાર શાળા નંબર ૪થી ૫૦૦ મીટરના અંતરે જ એએમ ટીએસ ચેરમેન વલ્લભભાઈ પટેલ રહે છે,  અને સામે જ નરોડા સબ મસ્ટર હોવાથી નારોડાના ચૂંટાયેલા ચારેય કાઉન્સીલરો નિયમિત સવારે મસ્ટર પર પ્રજાનાં કામો માટે બેસી રહે છે અને અને તેમની કચેરીની સામે જ વિદ્યાર્થીઓ આવી રીતે સફાઈના નામે કાળી મજૂરી કરતાં નજરે પડી રહ્યા છે.

હવે જોવાનું એ રહ્યું કે સ્કુલ બોર્ડ ગરીબ અને શ્રમજીવી પરિવારના ભણવા આવતા બાળકો પાસે મજુરી કરવાતા શિક્ષકો સામે શું કાર્યવાહી કરે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત સર્વેક્ષણ હેઠળ દેશન વિવિધ શહેરોને સ્વચ્છતા મામલે રેન્કિંગ આપવામાં આવે છે.ત્યારે વર્ષ ૨૦૨૧ના નવેમ્બરમાં જાહેર થયેલા રેન્કિંગમાં અમદાવાદનો રેન્ક ડાઉન થયો હતો.વર્ષ ૨૦૧૯માં છઠા ક્રમે રહેલ અમદાવાદ ૨૦૨૧માં ૧૦માં સ્થાને સરકી ગયું હતું.