નરેશ પટેલને કોંગ્રેસના સત્તાનો વનવાસ પૂર્ણ કરવામાં મળશે સફળતા ?

નરેશ પટેલને  કોંગ્રેસના સત્તાનો વનવાસ પૂર્ણ કરવામાં મળશે સફળતા ?
courtesy : DNA india

અમદાવાદ

વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને જીતવા હવે કોંગ્રેસ લેઉવા પાટીદાર અગ્રણી નેતા નરેશ પટેલનું શરણું લેવા જઈ રહી છે. છેલ્લાં બે દાયકા કરતા વધારે સમયથી ગુજરાતમાં સત્તાથી બહાર થઇ ગયેલ કોંગ્રેસ હવે સત્તાનો વનવાસ ખતમ કરવા માટે પોતાની પરંપરાગત એસસી ,એસટી,ઓબીસી વોટ બેંકની સાથે સાથે રાજ્યમાં મજબુત ગણાતા પાટીદાર સમુદાય અને તેના હાલના તબક્કે બિન વિવાદિત નેતા તરીકેની છાપ ધરાવતાં નરેશ પટેલને આગળ કરવા જઈ રહી છે.

જો કે ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહિ તે અંગે છેલ્લાં એક મહિનાથી અટકળો રાજકીય ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે અને રાજ્યના મીડિયામાં ચાલી રહી છે. પરંતુ નરેશ પટેલ દસ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૨માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પડકાર આપવા ઉતરેલા પાટીદાર સમુદાયના સર્વમાન્ય નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સાથે સમગ્ર ચૂંટણી દરમિયાન પડછાયાની જેમ ફર્યા હતા. ત્યારે કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી નામના પક્ષની રચના કરીને ભાજપ સામે ચૂંટણી લડી હતી. જો કે તેમને સફળતા મળી ના હતી અને કેશુભાઈની જીપીપીને ૧૮૨ બેઠક પૈકી બે બેઠક પર જ જીત મળી હતી.

જેમાં એક બેઠક વિસાવદરથી કેશુભાઈ પટેલ પોતે જીત્યા હતા અને બીજા હતા નલિક કોટડીયા.ત્યારે પણ જીપીપીમાંથી ભાજપના હાલના દિગ્ગજ નેતા ગોરધન ઝડફિયા પણ ગોંડલ બેઠક પરથી જીપીપીના નિશાન પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.

આ પહેલા પણ વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી મોદી સામે કેશુભાઈ પટેલના સમર્થક ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને મોદીને મુખ્યમંત્રી પદેથી હટાવવાની હાઈકમાન્ડ સમક્ષ માંગ કરી હતી જેના પરિણામે મોદી સામે બળવો કરનાર ધારાસભ્યને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેમાં સિદ્ધાર્થ પરમાર,બાવકુ ઉઘાડ ,બેચર ભદાણી,બાલુભાઈ તંતી ,ગોરધન ઝડફિયા અને ધીરુ ગજેરાનો સમાવેશ થવા જાય છે. જે પૈકી વર્ષ ૨૦૦૭માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધાર્થ પરમાર અને ગોરધન ઝડફિયા સિવાય મોદી સામે બળવો કરનાર તમામ લોકોને કોંગ્રેસે વિધાનસભાની ટીકીટ આપી હતી.જે પૈકી એક માત્ર બાવકુ ઉઘાડ જીત મેળવવામાં સફળ રહ્યા હતા.

આ ઉપરાંત ૧ મે ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના બાદ ૧૯૮૦ના દાયકામાં થયેલા અનામત વિરોધી આંદોલનના સમયથી કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ખામ થીયરી (KHAM-ક્ષત્રિય,હરીજન,આદિવાસી અને મુસ્લિમ) સમુદાયને સાંકળીને રણનીતિ બનાવીને સત્તા હાંસલ કરી હતી.ત્યારથી સ્વર્ણ સમુદાય અને તેમાય ખાસ કરીને પાટીદાર સમુદાય ધીમે ધીમે ભાજપ તરફ સરકતો ગયો અને આજે તે ભાજપની સૌથી મજબુત વોટબેંક બની ગઈ છે.

સામાન્ય રીતે વર્ષ ૧૯૮૪બાદથી ગુજરાતમાં જે બાજુ એસસી એસટી અને ઓબીસી મતદાન કરતુ હોય છે તેનાતી વિપરીત છેડે જ પાટીદાર સમુદાય મતદાન કરતુ આવ્યું છે જેના પરિણામે કેશુભાઈ જેવા દિગ્ગજને પણ સમુદાયે ૨૦૧૨ની ચૂંટણી જંગમાં મતનો સાથ મળ્યો ના હતો અને હારનો સામનો કરવો પડયો હતો અને આખરે જીપીપીનું ભાજપમાં જ વિલીનીકરણ કરવું પડ્યું હતું.

ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં પણ પાટીદાર અનામત આંદોલનની આગની જવાળા તેના સર્વોચ્ચ સ્તરે પ્રગટી રહી હતી છતાં પણ ભાજપ બેઠકમાં ઘટાડો થવા છતાં સત્તામાં પુનરાગમન કરવામાં સફળ રહ્યું હતું. ત્યારે હવે એ તોચૂંટણીના પરિણામ જ બતાવશે કે નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશથી પક્ષનો સત્તાનો વનવાસ પૂર્ણ થશે કે નહિ ?

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નરેશ પટેલે એક કાર્યક્રમમાં નિવેદન આપતાં કહ્યું હતું કે પંચાયતથી લઈને પાર્લામેન્ટસુધી પાટીદાર સમુદાયનો જ દબદબો હોવો જોઈએ જેના કારણે વિવાદ થયો હતો ત્યારે હવે કોંગ્રેસમાં તેમના આગમનથી અન્ય સમુદાય કેવો પ્રતિભાવ આપે છે તે ચૂંટણીના પરિણામ બાદ જ જાણવા મળશે.