નરેશ પટેલ બનશે કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો ?

જયપુર
દવર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને જીતવા હવે કોંગ્રેસ પાટીદાર નેતાની શરણે જઈ રહી હોવાના અહેવાલ છે. વર્ષ ૧૯૯૫થી ગુજરાતમાં સત્તાથી બહાર થઇ ગયેલ કોંગ્રેસ હવે ૨૭ વર્ષનો વનવાસ પૂર્ણ કરવા પોતાની પરંપરાગત એસસી ,એસટી,ઓબીસી વોટ બેંકની સાથે સ્વર્ણ સમુદાયમાં સામેલ પાટીદાર સમુદાયને પોતાની પડખે લાવવાના ત્રીજા પ્રયાસ રૂપે લેઉવા પટેલ અગ્રણી નરેશ પટેલને સીએમ પદનો ચહેરો જાહેર કરવા તરફ આગળ વધી રહી હોવાના અહેવાલ છે.
મળતી માહિતી અનુસાર ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સાનિધ્યમાં જયપુર ખાતે ગુજરાતના પાટીદાર સમુદાયના અગ્રણી અને ખોડલધામ મંદિરના અધ્યક્ષ નરેશ પટેલ સાથે મુલાકાત હતી અને તેમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી જીતવા માટે રણનીતિ ઘડવામાં આવી છે જે અનુસાર નરેશ પટેલને ચૂંટણીમાં સીએમ પદનો ચહેરો અથવા ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે.
આગામી મહીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે અને તેમને રાહુલ ગાંધી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે તેવી પણ શક્યતા છે. નરેશ પટેલ સૌરાષ્ટ્રની લેઉવા પાટીદારના પ્રભુત્વ વાળી ગોંડલ કે રાજકોટની અન્ય કોઈ સુરક્ષિત બેઠક પરથી પણ ચૂંટણી લડશે.
સુત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન બનવવામ ચાવી રૂપ ભૂમિકા ભજવનાર રણનીતિ કાર પ્રશાંત કિશોરનું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી કોંગ્રેસ મોદીના ગઢ ગુજરાતમાં સત્તા નહિ હાંસલ કરે ત્યાં સુધી મોદીને રાષ્ટ્રીય સ્તરે હરાવવા કોંગ્રેસ માટે અશકય છે.
આ વાતને હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સ્વીકારી લીધી છે અને તેની ગાંધી પરિવાર સમક્ષ રજૂઆત કરીને તેમના ગળે પણ આ વાત ઉતારવામાં સફળતા હાંસલ કરી છે. જો કે હવે નરેશ પટેલને સીધા જ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવાથી વર્ષોથી કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓ બનીને રાજનીતિ કરી રહેલા અગ્રણીઓનું વલણ શું હશે તે પણ જોવું મહત્વપૂર્ણ બની રહેશે.