પ્રદેશ ભાજપ કોર ગ્રુપમાં દિગ્ગજ લોકોના કપાયા પત્તા

પ્રદેશ ભાજપ કોર ગ્રુપમાં દિગ્ગજ લોકોના કપાયા પત્તા

ગાંધીનગર ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે શુક્રવારના રોજ પ્રદેશ કોર ગ્રુપ અને પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોની નિમણુક કરી હતી.

જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સમાવેશ કરાયો છે. પરંતુ અનેક દિગ્ગજ લોકોના પત્તા કોર ગ્રુપમાંથી કાપી નાખવામાં આવ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાનો સમાવેશ થવા જાય છે.

પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેર કરેલા કોર ગ્રુપ અને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરને સ્થાન આપવામાં આવ્યું છે. ચાર પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ,રજની પટેલ,વિનોદ ચાવડા અને પ્રદીપસિંહ વાઘેલાને કોર ગ્રુપમાં સ્થાન આપ્યું છે. જો કે સૌથી ચોકાવનારું નામ પૂર્વ કેબીનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીનું છે જેમને પણ કોર ગ્રુપમાં સામેલ કરાયા છે.

આ ઉપરાંત રૂપાણી મંત્રીમંડળમાં કેબીનેટ મંત્રી રહેલા ગણપત વસાવાને પણ કોર ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે. જયારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ કોર ગ્રુપમાં સમાવેશ કરાયો છે તો રાજ્યના ૨૬ લોકસભા સાંસદ પૈકી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને કોર ગ્રુપમાં એક માત્ર મહિલા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

જો પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પૂર્વ મંત્રી આર સી ફળદુ,પ્રદેશ ભાજપ ખજાનચી સુરેન્દ્ર પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા,કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા,જસવંત સિંહ ભાભોર,સાંસદ રાજેશ ચુડાસમા,અમદાવાદ પશ્ચિમના સાંસદ, ડોક્ટર કિરીટ સોલંકી તેમજ મહિલા પ્રતિનિધિ તરીકે ડોક્ટર દીપિકા સરડવાને સ્થાન આપવામાં આવ્યું છે.

આમ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ચૂંટણી સમિતિમાં દિગ્ગજ લોકોને સ્થાન તો આપ્યું પણ કોર ગ્રુપમાં અનેક દિગ્ગજ નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખ્યા છે.