ગુજરાત બન્યુ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ

ગુજરાત બન્યુ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ

ગાંધીનગર

ઉદ્યોગકારો-રોકાણકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રાજ્ય સરકારના સાનુકૂળ અભિગમ ઉપરાંત લેબર પીસ-શ્રમ શાંતિનો પણ મહત્વનો ફાળો રહેલો હોવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવતાં કહ્યું હતું કે ગુજરાત દેશમાં સૌથી ઓછા મેન ડેયઝ લોસ ધરાવતું રાજ્ય છે.

શ્રમિકોના સક્રિય સહયોગ અને રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને શ્રમિક કલ્યાણ બાબતોમાં દેશમાં અગ્રેસર છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના ગાંધીનગરમાં લોંચીંગ સમારોહમાં અધ્યક્ષીય સંબોધન કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીના સમય દરમ્યાન શરૂ કરાવેલી આ શ્રમ પારિતોષિક વિતરણની શૃંખલામાં રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો તથા ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા શ્રમયોગીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરે છે.

વિશ્વકર્મા જયંતિના પર્વે સોમવારે આવા શ્રમયોગીઓને શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમ વીર અને શ્રમ શ્રી – શ્રમ દેવી પુરસ્કારો અન્વયે પ્રતિકરૂપે ૧૬ વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં આ વર્ષે આવા ૬૪ પુરસ્કારો એનાયત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે પોતાના શ્રમ, પરિશ્રમ અને પરસેવાથી ઉદ્યોગ, વેપાર, મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવનારા પાયાના પથ્થર એવા શ્રમિકો માટે ‘શ્રમ એવ જયતે’ અને ‘હર હાથ કો કામ હર કામ કા સન્માન’નો મંત્ર વડાપ્રધાને આપ્યો છે. આ મંત્રને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે રાજ્ય સરકાર શ્રમિક કલ્યાણની અનેક યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે શ્રમિકોના પરિવારોની, તેમના સંતાનોની પણ આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓ માટે સતત ચિંતા કરી છે. રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને યુ-વિન કાર્ડ આપીને તેમને વિવિધ સામાજીક સુરક્ષા યોજનાનો લાભ પણ વિનામૂલ્યે અપાય છે રાજ્યના અર્થતંત્રને ગતિમય રાખતા શ્રમિકોને કામકાજના સ્થળે જવા-આવવાની સુગમતા માટે ગો-ગ્રીન યોજના અંતર્ગત ઇલેકટ્રીક વ્હીકલ ખરીદી માટે સહાય આપવાની યોજનાની પણ વિસ્તૃત વિગતો આપી હતી.

તેમણે ઉમેર્યુ કે, કોરોના મહામારીમાં લોકડાઉન સમયે ‘વન નેશન વન રેશન’ અન્વયે પરપ્રાંતિય શ્રમિકોને તેમના રાજ્યના રેશનકાર્ડ ઉપર આપણે ગુજરાતમાં અનાજ આપીને તેમના પરિવારને ભૂખ્યા સુવું ન પડે તેની કાળજી લીધી હતી.