વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પર અનિશ્ચિતાના વાદળ

વડાપ્રધાન મોદીના  ગુજરાત પ્રવાસ પર અનિશ્ચિતાના વાદળ
ફોટો સૌજન્ય : PTI

ગાંધીનગર 

આગામી સપ્તાહે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ આવવાના હતા તેના પર હવે અનિશ્ચિતાના વાદળ છવાઈ ગયા છે .રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલા શરુ થયેલા યુદ્ધને એક સપ્તાહ કરતાં વધુ સમય થઇ ગયો છે અને હજુ યુદ્ધનો હાલ પુરતો કોઈ અંત દેખાતો નથી જેના પગલે ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે ૧૦ માર્ચથી યોજાનારા ડીફેન્સ એક્સ્પો ૨૦૨૨ને હાલ પુરતો હંગામી ઘોરણે મુલતવી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર ડીફેન્સ એક્સ્પોનું ઉદ્દઘાટન કરવા વડપ્રધાન મોદી ૧૧ માર્ચે ગુજરાત આવવાના હતા પરંતુ ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેનાર દેશ અને સબંધિત લોકોને યુદ્ધના કારણે ડીફેન્સ સબંધિત ચીજ વસ્તુઓને મેનેજ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી હાલ પુરતો એક્સ્પો હંગામી ઘોરણે રદ્દ કરવાનો નિર્ણય સરકારે લીધો છે અને હવે ક્યારે યોજાશે તેની જાહેરાત પણ પાછળથી કરવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ૧૦થી ૧૪ માર્ચ વચ્ચે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ડીફેન્સ એક્સ્પો ૨૦૨૨ યોજાવાનો હતો જેની તૈયારીઓ લગભગ પૂર્ણતાના આરે હતી પરંતુ યુદ્ધના કારણે સમગ્ર આયોજન હાલ પુરતું સ્થગિત કરી દેવાયું છે. આમ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પણ સ્થગિત કરવામાં આવે તો નવાઈ નહિ.