પોલીસની હાજરીમાં જ સીક્યુરીટી જવાનોએ વેપારીને માર્યો ઢોર

અમદાવાદ

અમદાવાદમાં પોલીસ પર જ બુટલેગરના સાગરીતોના હુમલાની શાહી સુકાઈ નથી ત્યાં હવે પોલીસની હાજરીમાં જ વેપારીને ઢોર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે અને મારામારી જોઇને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની વાન ઘટના સ્થળેથી કોઈ પણ કાર્યવાહી કર્યા વિના જતી રહી હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ પણ થઇ ગયા છે.

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પાસે આવેલા સુમેલ બિઝનેસ પાર્ક 3માં સિક્યુરીટી એજન્સી ટ્રાઇડન્ટના જવાનો કોમ્પ્લેક્ષમાં વેપારીઓની સુરક્ષા અને ટ્રાફિકની વ્યવસ્થા સંભાળે છે પણ અહિયાં તો સિક્યુરીટીના જવાનોએ જ પોલીસ વાનની ઉપસ્થિતિમાં જ વેપારીને ઢોર માર માર્યો હોવાની ઘટના સીસીટીવી કેદ થતાં અમદાવાદ પોલીસની કામગીરી પર ફરી પ્રશ્નો ઉભા થયા છે.

૧ માર્ચના રોજ બનેલ ઘટનાના સીસીટીવી દ્રશ્યો અનુસાર સફલ 3 માર્કેટના એસોસિએશનના હોદ્દેદારોની તેમજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પી.સી.આર વાંન ગાડી નંબર 75ના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ સિક્યુરીટીના 4 જવાન વેપારીને ગળદાપાટુ માર મારી ઘાયલ કરી દીઘા હોવાનું દેખાય રહ્યું છે.વેપારી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કાગડાપીઠ પોલીસ સિક્યુરીટી કંપની અને તેના જવાનો પ્રત્યે નરમ વલણ અખત્યાર કરી રહી હોવાનું સ્થાનિક વેપારીઓમાં ચર્ચાય રહ્યું છે.

સુમેલ બિઝનેશ પાર્ક 3ના વેપારીઓના જણાવ્યા અનુસાર ટ્રાઇડન્ટ સિક્યુરિટીના ગાર્ડસના જવાનો સુરક્ષા અને સલામતીની જાળવણીના બદલે પોતાને પાર્કના માલિકો માની બેસી મનફાવે તેમ નિયમો બનાવી વેપારીઓ સાથે મનફાવે તેમ વર્તન કરી રહયા છે .

અગાઉ પણ સુમેલ બિઝનેશ પાર્ક 3 ના સત્તાધીશો અને સિક્યુરિટી ગાર્ડસોની મનમાની, દાદાગીરી સામે આવી છે જેમાં સ્થાનિક પોલીસ પણ ભીનું સંકેલતી રહી છે .

હવે જોવાનું એ રહ્યું કે સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ કાગડાપીઠ પોલીસ ફરિયાદ બાદ પણ ભીનું સંકેલી લેવામાં રસ ધરાવતી હોવાનું વેપારીઓમાં ચર્ચાય રહ્યું છે. ત્યારે હવે આ વેપારીઓને ન્યાય કઈ રીતે મળે છે અને સુમેલ બિઝનેશ પાર્ક 3ના સત્તાધીશો અને ટ્રાઇડન્ટ સિક્યુરિટી ગાર્ડને બરાબર બોધપાઠ કઈ રીતે મળે છે તે તો આવનારો સમય જ કહી બતાવશે.