નીલમ મકવાણાના પરિવારની કોંગ્રેસના ધારાસભ્યએ લીધી મુલાકાત

અમદાવાદ

પોલીસ ગ્રેડ પે મુદ્દે ભૂખ હડતાળ પર ઉતરેલ અને સિવિલ હોસ્પીટલમાં દાખલ મહિલા કોન્સ્ટેબલ નીલમ મકવાણાની તબિયત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી હોવાના અહેવાલ વચ્ચે અમદાવાદના બાપુનગરના કોંગ્રેસના ધારાસભ્ય અને અમદાવાદના પૂર્વ મેયર હિમંતસિંહ પટેલે નીલમ મકવાણાના પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.

છેલ્લાં પાંચ મહિનાથી પોલીસ ગ્રેડ પે મામલે આંદોલન ચલાવી રહેલ મહિલા કોન્સ્ટેબલ નીલમ મકવાણા અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહે છે.ત્યારે તેમના પરિવારને મળવા સ્થાનિક ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ગયા હતા જ્યાં તેમણે નીલમ મકવાણાની માતાને મળીને તેમની પુત્રીની લડત તેમના માટે નહિ પરંતુ સમગ્ર પોલીસ કર્મચારીઓ માટે હોવાનું જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનાથી પોલિસ કમૅચારીઓ ના ગ્રેડ -પે પગારની વિસંગતતા દુર કરવા માટે નીલમ મકવાણા લડત ચલાવી રહ્યા છે ત્યારે દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદ ભગત સિંહના બલિદાન દિવસ એટલે કે ૨૩ માર્ચના રોજ ગાંધીનગર સ્થિત અખબારભવનથી ઘરપકડ કરી નીલમ મકવાણાને સાબરમતી જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા.

શહીદ ભગત સિંહના પથદર્શક પર ચાલતા નીલમ મકવાણાએ જેલમા ભુખ હડતાળ શરુ કરી હતી ત્યારબાદ છેલ્લા બે દિવસથી તેમની તબીયત લથડતા, સિવિલ હોસ્પિટલ-આમદાવાદમા દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમની તબિયત દિન પ્રતિદિન લથડી રહી હોવાના પણ અહેવાલ છે અને તેમણે પોતાના ઓર્ગન પણ દાન કરવા સહમતિ આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.