કેજરીવાલના આગમન પહેલા શહેરમાંથી એએમસીએ દુર કર્યા “આપ”ના બેનર

અમદાવાદ 

દિલ્લી બાદ પંજાબ ફતેહ કર્યા પછી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત પર છે અને વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે તેમણે પણ તૈયારીઓ શરુ કરી દીઘી છે જેના ભાગ રૂપે ૨ એપ્રિલના રોજ તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે અમદાવાદમાં રોડ શો કરવાનાછે.

તેના ભાગરૂપે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રોડ શો અંગેના બેનરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ શુક્રવાર બપોર બાદ અમદાવાદ મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા અસારવા ,બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં લાગેલા રોડ શોના બેનરો ઉતારવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો વિફર્યા હતા અને એએમસીના કર્મચારીઓ સમક્ષ રોષ પણ વ્યકત કર્યો હતો.

જો કે મેયર કિરીટ પરમારે કહ્યું હતું કે એએમસીએ કોઈ બેનર ઉતાર્યા નથી. આમ હવે આગામી દિવસોમાં સત્તા પક્ષ ભાજપ વિપક્ષ કોંગ્રેસ અને હવે આપ વચ્ચે બેનરોથી લઈને વિવિધ મુદે શાબ્દિક ટપાટપી વધારે ઉગ્ર બને તો નવાઈ નહિ.