વિધાનસભાના પરિણામોએ રાષ્ટ્રપતિની ચૂંટણી મામલે ભાજપના રંગમાં પાડ્યો ભંગ

વિધાનસભાના પરિણામોએ  રાષ્ટ્રપતિની ચૂંટણી મામલે ભાજપના રંગમાં પાડ્યો ભંગ

નવી દિલ્હી

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જો કે ચાલુ વર્ષે યોજાનારી રાષ્ટ્પતિની ચૂંટણી પર પણ વિધાનસભાના પરિણામો અસર કરશે જેના પગલે પરિણામોથી રાષ્ટ્રપતિ ચૂંટણી મામલે વડાપ્રધાન મોદીને ઝટકો પડયો છે. રાષ્ટ્પતિ રામનાથ કોવિંદની ટર્મ ૨૪ જુલાઈ ૨૦૨૨ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. ત્યારે તેમના અનુગામીની યોજાનારી ચૂંટણીમાં ભાજપને હવે સાથી પક્ષોની પણ જરૂર પડશે.

ઉત્તરપ્રદેશની ૪૦૩ બેઠક પૈકી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામ અનુસાર ભાજપને ૨૬૦થી વધુ બેઠક મળી રહી છે એટલે કે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીની તુલનાએ અંદાજે ૬૦ થી ૬૫ બેઠક ઓછી મળી રહી છે. જેથી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને પોતાના પસંદગીના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવા માટે અન્ય સહયોગી પક્ષોને શોધવા પડશે. 

ભાજપ માટે સમીકરણ 

આજે જાહેર થયેલા વિધાનસભાની ચૂંટણીના પરિણામથી ભલે ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ હોય પણ રાષ્ટ્રપતિની ચૂંટણી મુદ્દે પરિણામોએ ભાજપના હાઈકમાન્ડની ચિંતા વધારી દીઘી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે બીજુ જનતા દળ (બીજેડી), તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને વાઈએસઆર કોંગ્રેસ જેવા પ્રાદેશિક પક્ષોની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની મહત્વપૂર્ણ ભૂમિકા 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના એક ધારાસભ્યના વોટનું મુલ્ય સૌથી વધુ ૨૦૮ છે જયારે સિક્કિમના એક ધારાસભ્યના વોટનું મુલ્ય સૌથી ઓછુ ૭ છે.જે રાજ્યના પરિણામ આજે જાહેર થયા છે તેમાં પણ ભાજપને અને તેના હાઈકમાન્ડને ઝટકો પડયો છે. પંજાબના એક ધારાસભ્યના વોટનું મુલ્ય ૧૧૬ છે જ્યાં પણ પ્રાદેશિક પક્ષ આમ આદમી પાર્ટીએ ૧૧૭માંથી ૯૦થી વધુ બેઠક પર જીત મેળવીને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને રાષ્ટ્રપતિની ચૂંટણી મામલે ઝટકો આપ્યો છે.

આ ઉપરાંત ઉત્તરાખંડના એક ધારાસભ્યના વોટનું મુલ્ય ૬૪ અને ગોવાના એક ધારાસભ્યના વોટનું મુલ્ય ૨૦ છે જયારે મણીપુરના એક ધારાસભ્યના વોટનું મુલ્ય ૧૮ છે. આમ ઉત્તરપ્રદેશના ૪૦૩ ધારાસભ્યનું કુલ મુલ્ય ૮૩૪૨૪ અને પંજાબના ૧૧૭ ધારસભ્યનું કુલ મુલ્ય ૧૩૫૭૨ થાય છે.

આ પ્રમણે ઉત્તરાખંડનું ૪૪૮૦,ગોવાનું ૮૦૦ અને મણીપુરનું કુલ મુલ્ય ૧૦૮૦ થાય છે. અલગ અલગ સમીકરણ અનુસાર ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ચૂંટાયેલા પ્રતીનીધીઓના મતોનું મુલ્ય કુલ સંખ્યાના ૫૦ ટકાથી ઓછુ છે જેથી જુલાઈમાં રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના પસંદગીના ઉમેદવારને બિરાજમાન કરવા માટે ગઠબંધન ઉપરાંત અન્ય સાથી પક્ષોના સમર્થન પર નિર્ભર રહેવું પડશે.

આમ ભલે પાંચ રાજ્યના ચૂંટણી પરિણામોથી ભાજપમાં હાલ એક અઠવાડિયા પહેલા જ હોળી-ધૂળેટીનો માહોલ જામી ગયો હોય પણ રાષ્ટ્રપતિની ચૂંટણી મામલે ભાજપ હાઈકમાન્ડનો રંગ થોડો ફિક્કો પણ કરી દીઘો છે.