સપ્તાહ બાદ દઝાડશે પેટ્રોલ-ડીઝલના ભાવ

petrol-diesel-price hikes expected

સપ્તાહ બાદ દઝાડશે  પેટ્રોલ-ડીઝલના ભાવ

અમદાવાદ

રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા હુમલા બાદ વૈશ્વિક સ્તરે ક્રુડના ભાવ સાત વર્ષની ટોચે પોહચી ગયા છે ત્યારે આગામી સપ્તાહથી પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દઝાડશે તે નિશ્ચિત છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ક્રુડના ભાવ સાત વર્ષની ટોચે પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર થઈને ૧૦૩.૭૮ ડોલર થઇ ગયો છે. જેથી ક્રુડના ભાવમાં લાગેલી આગ આગામી સપ્તાહથી દેશમાં પણ વાહનચાલકો સહીત સામાન્ય લોકોને દઝાડવાનું શરુ કરશે કારણ કે હાલ પાંચ રાજ્યની ચાલી રહેલ વિધાનસભાની ચૂંટણીઓ આગામી સાત માર્ચના રોજ પૂર્ણ થઇ રહી છે. હાલ ચાલી રહેલ યુદ્ધનની દેશના અર્થતંત્ર પર થનારી અસર પર સતત નજર રાખી રહેલ અર્થશાસ્ત્રીઓના મત અનુસાર ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણીઓ સંપન્ન થવાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંદાજે બે આંકડામાં ભાવ વધારો નિશ્ચિત છે.

અંદાજે ૧૦ થી લઈને ૧૫ રૂપિયાનો વધારો પ્રતિ લીટર કંપનીઓ કરે તેવી વકી અર્થશાસ્ત્રીઓ કરી રહ્યા છે.હાલ ચાલી યુદ્ધની અસર ક્રૂડના ઉત્પાદન અને પુરવઠા પર પડશે. રશિયા વિશ્વનો સૌથી મોટો તેલ ઉત્પાદક અને કુદરતી ગેસનો નિકાસકાર છે. અને આ બંનેની ભારત મોટાપાયે આયાત કરે છે. જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ૧૨૦ ડોલરને પણ પાર થઇ જાય તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલા ગતિરોધના પગલે છેલ્લાં ત્રણ મહિના દરમિયાન ક્રુડના ભાવમાં 27 ટકાનો વધારો થયો છે.

ક્રૂડની કિંમત 103 ડોલરથી ઉપર વધી ગઈ છે અને અહિયાં એ પણ યાદ રાખવું જોઈએ કે દેશમાં જરૂરિયાતના ૮૫ ટકા ક્રૂડની આયાત કરવામાં આવે છે. આ ઉપરાંત દેશમાં પેટ્રોલ –ડીઝલનું વેચાણ કરતી સરકારી કંપનીઓ તેમજ ખાનગી કંપનીઓએ દિવાળી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધઘટ કરી નથી.જો કે દિવાળી બાદ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 20 ડોલરથી વધુ મોંઘું થઈ ગયું છે. પરંતુ દેશના પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી ભાવ સ્થિર રહેવાથી તેલ કંપનીઓના નફામાં ખોટ થઇ છે.અત્યારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૯૫ .૪૧ રૂપિયા અને ડીઝલ ૮૬.૬૭ રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાણ થઇ રહ્યું છે.